– સ્વામી વિવેકાનંદ

માનવજાતને માટે બે જ માર્ગો રહે છે. એક તો
શૂન્યવાદીઓની સાથે એમ માનવું કે સર્વ કાંઈ શૂન્ય જ છે, આપણે
કંઈ જાણતા નથી; ભૂત, ભવિષ્ય કે વર્તમાન વિશે પણ આપણે કદી કંઈ જાણી
શકવાના નથી. આપણે એ યાદ રાખવું જોઈએ કે જે માણસ ભૂતકાળને તેમજ ભવિષ્યકાળને માનતો
નથી અને માત્ર વર્તમાનકાળને જ વળગી રહેવા માગે છે, તે કેવળ પાગલ છે. એ તો માતાપિતાનો
ઈન્કાર કરવો ને બાળકનું અસ્તિત્વ છે એમ કહેવા જેવું છે. તે પણ તેટલું જ તર્કયુક્ત
ગણાય. ભૂતકાળ અને ભવિષ્યકાળનો અસ્વીકાર કરવો હોય, તો વર્તમાનકાળનો પણ અનિવાર્ય રીતે
અસ્વીકાર કરવો જ જોઈએ. આ થયો એક પક્ષ – શૂન્યવાદીઓનો પક્ષ. મેં ક્યાંયે એક પણ માણસ એવો
જોયો નથી કે જે ક્ષણભરને માટે પણ ખરેખરો શૂન્યવાદી થઈ શકે. માત્ર બોલવું બહુ
સહેલું છે.
ત્યાર પછી એક બીજો માર્ગ છે, તે છે વસ્તુનો ખુલાસો શોધવો, સત્ય વસ્તુની શોધ કરવી, હરહંમેશ બદલાયા કરતા ક્ષણભંગુર જગતમાં જે કંઈ સત્ય છે તેની શોધ કરવી. જડ
દ્રવ્યના પરમાણુઓના સમૂહરૂપ આ શરીરમાં કંઈ સત્ય છે ? માનવમનના સમગ્ર ઈતિહાસમાં શોધખોળનો વિષય આ જ છે. ખૂબ જ પ્રાચીન કાળમાં, આપણે અનેકવાર માણસોના મનમાં પ્રકાશના ચમકારા આવતા
જોઈએ છીએ. ત્યારે પણ, આપણે માણસને જડ શરીરથી એક ડગલું આગળ વધતો જોઈએ છીએ.
તે વખતે માણસે એવું કંઈક શોધી કાઢ્યું છે કે જે આ બાહ્ય શરીર નથી, છતાં ઘણે અંશે તેના જેવું જ વધારે સંપૂર્ણ, વધારે નિર્દોષ અને આ શરીરનો નાશ થાય તો પણ ટકી રહે
તેવું છે. મૃતદેહને ભસ્મીભૂત કરતા અગ્નિદેવને સંબોધાયેલા ઋગવેદના મંત્રોમાં આપણે
વાંચીએ છીએ : ‘હે અગ્નિ ! તું તેને કોમળતાપૂર્વક તારા બાહુઓ વડે લઈ
જજે, તેને તેજસ્વી અને સંપૂર્ણ શરીર આપજે, તથા જ્યાં પિતૃઓ રહે છે અને જ્યાં શોક કે મૃત્યુ નથી
ત્યાં તેને લઈ જજે.’ તમને દરેક ધર્મમાં આ જ વિચાર સાંપડશે. તેની સાથોસાથ
આપણને એક બીજો વિચાર પણ મળે છે. એ એક સૂચક હકીકત છે કે એક પણ અપવાદ સિવાય બધા
ધર્મો એવો મત ધરાવે છે, કે માણસ અગાઉ હતો તેના કરતાં અત્યારે અવનતિ પામેલો છે; પછી ભલે તેઓ આ વિચારને પૌરાણિક શબ્દોમાં કે સ્પષ્ટ
દાર્શનિક ભાષામાં કે સુંદર કાવ્યમય વાણીમાં રજૂ કરે. [ક્રમશ:]
No comments:
Post a Comment