૧૧મી જાન્યુઆરીએ દેશના દ્વિતીય વડાપ્રધાન
લાલબહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ આવી રહી છે. આજે રાજકારણના ચોપડે લગભગ હાંસિયામાં
ધકેલાય ગયેલા મહાપુરુષોની યાદીમાં ખાસ પારિવારિક ‘બેકગ્રાઉન્ડ’ ન ધરાવતા
ખેડૂતપુત્ર લાલબહાદુર શાસ્ત્રીનું નામ અગ્રક્રમે છે. ફક્ત વીસેક મહિના જેવા ટૂંકા
સમયગાળા સુધી દેશના વડાપ્રધાનપદે રહેલા શાસ્ત્રીએ કરેલા કાર્યોને લીધે આજે પણ
દેશના નાગરિકોના દિલમાં તેમના પ્રત્યે સન્માન અકબંધ છે.
પુરોગામી વડાપ્રધાનની નીતિઓને કારણે
વારસામાં મળેલ કાશ્મીર સમસ્યાને કારણે ૧૯૬૫માં દેશ ફરી એક વખત યુદ્ધનો શિકાર બન્યો
ત્યારે દેશવાસીઓમાં એકતા અને જુસ્સો ટકાવી રાખવા માટે શાસ્ત્રીએ ‘જય જવાન જય
કિસાન’ ઐતિહાસિક નારો આપ્યો. તેઓ ભારપૂર્વક કહેતા અને માનતા હતા કે ભારતીય સૈનિકો અને ખેડૂતો
દેશને ઉન્નત રાખનારા બે સ્તંભ છે. માટે સમગ્ર રાષ્ટ્રએ તેમનો આદર કરવાની અને દરેક
મુદ્દે તેમની કાળજી લેવાની જરૂર છે.
![]() |
સેનાની હિંમત વધારતા વડાપ્રધાન |
૧૯૬૨માં ચીન સામેના યુદ્ધના પરિણામથી ભારતીય
સેના ઘોર નિરાશામાં ડૂબી ગઈ હતી. પરંતુ જ્યારે શાસ્ત્રીએ ૧૯૬૫ના પાકિસ્તાન
યુદ્ધમાં હથિયારોનો જવાબ હથિયારોથી આપવાની છૂટ આપી ત્યારે સૈનિકોમાં પ્રાણસંચાર થયો.
રાજકીય પ્રોત્સાહન મળવાથી આપણી સેનાએ પોતાની શક્તિ દેખાડતા પાકિસ્તાનમાં છેક લાહોર
અને રાવલપીંડી સુધી તિરંગાની આણ વર્તાવી દીધી હતી.
શાસ્ત્રીજીએ શાસનની ધૂરા સંભાળી તે સમયગાળામાં
યુદ્ધને બાદ કરતા સૌથી મોટો પડકાર હોય તો એ દેશમાં ખાદ્યાન્નની કટોકટીનો હતો. ફેકટરીઓનો
દેશ બનાવવા માંગતા નહેરુએ ખેડૂતોની અવગણના કરી હોવાના કારણે આખો દેશ લગભગ ભૂખમરા
પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. દેશની જનતા અમેરિકા જેવા દેશો પાસેથી ભીખમાં
મળેલ અનાજ ઉપર નિર્ભર થઇ રહી હતી. પશુઓને પણ ન આપી શકાય તેવી હલકી ગુણવત્તાવાળા
સડેલા લાલ ઘઉંની સ્ટીમરો ભારતના બંદરો પર ઠલવાતી હતી.
આવા સમયે અમેરિકા સામે ઘૂંટણીએ પડીને અનાજની ભીખ
માંગવાને બદલે શાસ્ત્રીએ પડકાર ઝીલ્યો અને દેશની જનતાને સંબોધતા કહ્યું હતું કે જો
આપણે બધા ફક્ત એક-એક ટંકનું ભોજન છોડીશું તો બચેલું અનાજ અન્ય જરૂરીયાતમંદ
દેશબાંધવના કામ આવશે. તેઓએ જાતે પણ દરરોજ એક ટંકના ઉપવાસ ચાલુ કર્યા હતા. યુદ્ધ
અને દુષ્કાળના ડામાડોળ વાતાવરણમાં દેશને સાચવી લેવા માટે તેઓએ ‘જય જવાન જય કિસાન’નો નારો બુલંદ કર્યો.
દેશના નાગરિકોને ત્યારે એ જાણીને સુખદ આશ્ચર્ય થયું કે તેમના
વડાપ્રધાન શાસ્ત્રી પોતાના સરકારી નિવાસસ્થાનમાં પાછળના ભાગમાં નાનું ખેતર બનાવીને
જાતે ખેતી કરે છે, તેમજ પોતાની જરૂરિયાતનું અનાજ જાતે ઉગાડે છે. દેશના એકમાત્ર
ખેડૂત વડાપ્રધાનના આ અનુકરણીય કાર્યથી ભારતભરના ખેડૂતોને એક નવું જ જોમ અને સન્માન
મળ્યું.
![]() |
વી.કુરિયન પાસેથી દૂધ મંડળી વિષે માહિતી મેળવતા |
અત્રે એ ખાસ યાદ રાખવું ઘટે કે એ શાસ્ત્રી જ
હતા કે જેમણે પોતાના શાસનકાળ દરમ્યાન દેશમાં બે મહત્વની ક્રાંતિ એટલે કે શ્વેત
ક્રાંતિ અને હરિત ક્રાંતિને સતત ઉત્તેજન આપ્યું હતું. પોતાની ગુજરાત મુલાકાત વખતે દૂધ
સહકારી મંડળી અને અમૂલની પ્રવૃત્તિથી પ્રભાવિત થયેલ શાસ્ત્રીએ અમૂલના સંવર્ધક
વી.કુરિયનને દિલ્હી આવવા અંગત આમંત્રણ આપ્યું હતું.
શાસ્ત્રીએ કુરીયનને ખાસ વિનંતી પણ કરી હતી કે
તેઓ આખા દેશમાં આ અમૂલ મોડેલનો ફેલાવો કરે. આ કામમાં તેમને સરકારનો સંપૂર્ણ ટેકો રહેશે.
શાસ્ત્રીની આ પ્રેરણાથી ગ્રામવાસીઓ દ્વારા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને
તેના વડે થઇ રહેલ શ્વેત કાંતિ (ઑપરેશન ફ્લડ)ને બળ મળ્યું. પરિણામે દેશમાં દૂધનું
ઉત્પાદન વધ્યું તેમજ મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થઈ.
![]() |
હરિત ક્રાંતિના જનક ડો.એમ.એસ.સ્વામીનાથન અને શાસ્ત્રી |
ખોરાકની સમસ્યાના લાંબા ગાળાના ઉકેલ માટે તેઓએ
દેશભરના અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકોની ટીમો બનાવી સમસ્યાનો ઉકેલ લાવવા આદેશો આપ્યા.
શાસ્ત્રીએ વ્યક્તિગત રીતે દેશના રત્ન સમાન કૃષિવિજ્ઞાની ડો.એમ.એસ. સ્વામિનાથનને આ ટીમનું
નેતૃત્વ કરવા માટે વિનંતી કરી હતી. ત્યારબાદ આખું વિશ્વ જાણે છે કે ભારતમાં હરિત
ક્રાંતિની શરૂઆત થઇ અને એક જ દાયકામાં દેશ અનાજની બાબતમાં સ્વનિર્ભર બન્યો.
દેશના અને ખાસ કરીને ખેડૂત તેમજ ગ્રામ્ય વર્ગના
કમનસીબે વર્ષ ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીની એ કાળરાત્રીએ રશિયાના તાશ્કંદ ખાતે પાકિસ્તાન
સામે યુદ્ધવિરામનો કરાર કર્યા બાદ ખૂબ જ રહસ્યમય પરિસ્થિતિમાં લાલ બહાદૂર શાસ્ત્રીનું
અવસાન થયું. ૧૯૬૬ પછી દેશમાં અનેક સરકારો આવી અને ગઈ પરંતુ વિદેશી ધરતી પર થયેલ
વડાપ્રધાનના શંકાસ્પદ મૃત્યુનું રહસ્ય ખોલી શકી નથી.
![]() |
ખેડૂત નાગરિક સાથે ખેડૂત વડાપ્રધાન |
કદમાં વામન હોવા છતાં પણ આભને આંબતા વિરાટ
વ્યક્તિત્વના માલિક અને ખરા અર્થમાં ખેડૂતનેતા રાજપુરુષ લાલબહાદૂર શાસ્ત્રીની ખોટ
આજે પણ એટલી જ સાલે છે. એ દીર્ઘદ્રષ્ટા નેતાએ આપેલું સૂત્ર આજે પણ એટલું જ યથાર્થ
છે અને હંમેશા રહેશે.
ચાલો, તેઓની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે સહુ સાથે નારો લગાવીએ : ‘જય જવાન... જય કિસાન...’
ચાલો, તેઓની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે સહુ સાથે નારો લગાવીએ : ‘જય જવાન... જય કિસાન...’
No comments:
Post a Comment