Friday, 8 November 2019

લોકસાહિત્યમાં સિંહ (સાવજ)ના દુહા

હાકલ દીએ હીરણ્યમાં એની રાવળ સુધી રાડય;
સિંહણજાયો છેડતા વડી વમાસણ થાય.

બાકર બચ્ચા લાખ, લાખે બિચારા;
પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા.

જે હાથે હાથી હણ્યા મેડક કેમ હણાય ?
કામિની કહે કંથડા તો તો સિંહણ દૂધ લજાય. 

હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજર ફરે,
પછી વયની વાતું નો હોય કેસર બચ્ચાને કાગડા.

ગિર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,
સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ.

ભડાં ભડ ભડકી જતાં, ઘટાટોપ ગર્ય ઘીંસ,
વનરાઇયુંમાં વિચરે, ચાંપલિયો નરસિંહ.

પંડ મોટું ને પગ લુલો, તળપે હથ્થા ત્રીસ,
ડણકે ગિરના ડુંગરે, ચાંપલિયો નરસિંહ.

મરદ તને મારવા કંઈ ભટકયા સોરઠ ભૂપ;
ચાંપલિયો સ્વર્ગે ગયો, રૂડી વનરાઈનું રૂપ.

કળજગ આવ્યો ઠાકરો, જગત બધી જાણે,
સાવઝની પથારીએ, શિયાળિયા મોજું માણે.

સાદુળા જે સિંહ, છ મહિના છોડે નહી;
દાતા એના દિહ, જીવો એ ઝાઝું જાણજો.

ગજ હણવાના ગર્વથી, અધિક કરે ઉતપાત,
સાવજ તું શૂરો ખરો, તદપિ તામસ તાત.

ભડ કેસર ને ભૂટિયો, બે આવ્યા બાથે,
પડ લીધા પૃથ્વી તણાં, સોરઠને માથે.

ધર ધીંગી, ગરવો ધણી, માઢુ ધીંગામજજ;
નકળંક કેસરી નીપજે, ધીંગા ખોખડધજજ.

નીચી દ્રષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય,
સિંહ લાંઘણો કરે, પણ ખડ નૅ એ ખાય.

લાંઘણ હો તો લાય, મગદળ કુંજર મારવા;
ઈ ખડ નો ખાય, સાચું સોરઠિયો ભણે.

સાદુળો પિંજર પડયો, ભૂલે ન આપ સ્વભાવ,
જદ જદ અવસર સાંપડે, બેગણો ખેલે દાવ.

કંથ મ જાઓ કવલખે, સિંહ છેડયો મ જાય,
સિંહણજાયો છેડતાં, વડી વમાસણ થાય.

તું જાયો સિંહણ તણો, કેવાણો સિંહણકંથ;
ભડ ભારથે ભીડતા, પગ પાછો ન ભરે પંથ.

ડાલામથ્થો ને દશહથ્થો, જબરી મોઢે મૂછ;
સવા બે હાથનું પૂંછ, વકરેલો વનનો ધણી.

ગેલી સિંહણ બાવરી, એહા સિંહા કેરી સીમ,
ઝાડ ગળા સો ગળ રહે, એવું વન છોડણ નીમ.

સસલા, તેતર, નાર, વગડે જઈ તગડે બધા,
પણ સાવજ તણા શિકાર, કોક'જ ખેલે રાજિયા.

પોતાના પગ ઉપરે, જેને ભરોસો ઘણો,
સાવજ ન સંઘરે, કાલનું ભાતું કાગડા.

સતી ને શુરની માતા, સંત ને ભકતની પ્રસુતા;
કેસરી સિંહની જનેતા, તને નમન સૌરાષ્ટ્રની ધરણી.

Monday, 7 October 2019

નવી નવી બાબતોથી ખેડૂતોને પરિચિત અને શિક્ષિત કરાવે... એ ખરું કૃષિ સંગઠન


ખેડૂતો માટે રાજકીય અખાડાની નહિ પરંતુ તેઓને કૃષિક્ષેત્રે વ્યાવસાયિક માર્ગદર્શન આપી
અને નવી ટેકનોલોજીથી સતત અપડેટ કરાવે એવા સંગઠનની જરૂર છે
નવી નવી બાબતોથી ખેડૂતોને પરિચિત અને શિક્ષિત કરાવે...
 એ ખરું કૃષિ સંગઠન
- નરેન્દ્ર વાઘેલા
=========================
જ્યારથી ખેડૂત સંગઠનોના નામે રાજકીય અખાડા શરૂ થયા છે ત્યારથી ખેડૂતોની ખરા અર્થમાં માંથી દશા બેઠી છે. આમ તો એક સામાન્ય વાતને દરેક વ્યક્તિ સમર્થન આપશે, કે કોઈપણ સંગઠન તેના સભાસદો માટે કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમો કરતું હોવું જોઈએ. અને તો જ તેના ગઠન કે સ્થાપનાનો અર્થ સરે છે. પરંતુ ખેદ સાથે કહેવું પડે કે ખેડૂત સંગઠનોની બાબતમાં વાસ્તવિક ચિત્ર ખરેખર નિરાશાજનક છે.
નવા સરકારી કાયદાઓની વાત હોય કે પાકવીમાની વાત હોય, દરેક વાતે ખેડૂતોના નામે ઝંડા ઉપાડી પોતાનો રાજકીય સ્વાર્થ સાધતા કહેવાતા ખેડૂત સહયોગી સંગઠનો જ્યારે ખરેખર જેમાં ખેડૂતનું હિત હોય અને જે કરવાથી ખેડૂતોને લાભ થવાનો હોય તેવી બાબતોમાં શાહમૃગનીતિ અપનાવતા નજરે પડે છે. પાણી પહેલા પાળ બાંધવાને બદલે અને કટોકટીનો સમય આવે તે પહેલા ખેડૂતોને વિવિધ બાબતોની વિસ્તૃત તાલીમ આપીને શિક્ષિત કરવાને બદલે આવા સંગઠનો ઘોડાં છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળતા હોય તેમ ભૂરાયા થાય છે.
થોડા સમય પહેલા જ્યારે સરકારનો નિયમ આવ્યો કે ખાતરની ખરીદીમાં હવેથી ખેડૂતોના આધારકાર્ડ અને અંગુઠાની છાપ જોઇશે ત્યારે વિરોધ કરવામાં આવા કેટલાક સંગઠનોની વરવી ભૂમિકા રહી હતી. માટે હવે પ્રશ્ન એ ઉભો થાય કે ખાતરની સબસીડી સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થાય તેમાં આ સંગઠનોને શું કોઈ નુકશાન જતુ હશે ? બીજો પ્રશ્ન એ કે જ્યારે ખેડૂતોને પાકવીમો ન મળે ત્યારે હલ્લાબોલ કરતા આગેવાનોએ શું ક્યારેય પ્રીમીયમ ભરવા સમયે પાકવીમાની શરતો અંગે ખેડૂતોને જાગૃત કર્યા છે ? શું આ સંગઠનોએ આવી નવી સીસ્ટમ ખેડૂતોને શીખવવા માટે કોઈ તાલીમ કાર્યક્રમો યોજ્યા છે ? (અહી કોઈ ખાનગી કંપનીના કાર્યક્રમમાં પોતાના બેનર મારી દઈ કાર્યક્રમને હાઈજેક કરી લેતા હોય તેવા ખેડૂત સંગઠનોની વાત નથી.)
હજુ ગયા અઠવાડિયે જ એક કિસ્સો અખબારોમાં ચમક્યો હતો કે ખેડૂતોએ ઉપાડેલ મગફળી હજુ ખેતરમાં જ હતી અને વરસાદ શરુ થઇ ગયો. ખેતરમાં પાણી ભરાઈ જતા ઉપાડેલ મગફળીના પાથરા પલળી ગયા અને ખેડૂતો નિરાશ થઇ ગયા. સ્વાભાવિક છે કે આવું દ્રશ્ય જોઇને આખી મોસમ મહેનત કરનાર કોઈપણ ખેડૂત હરેરી જાય અને નાસીપાસ થઇ જાય. આવા સમયે ખેડૂતોને સધિયારો કે હિંમત આપવાને બદલે એક કહેવાતા સંગઠનના આગેવાને બેજવાબદાર નિવેદન ફટકાર્યું કે, સરકાર કઈ કરતી નથી... હવે આવી પરિસ્થિતિમાં ખેડૂત પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ માર્ગ બાકી રહેતો નથી. બોલો લ્યો... અલ્યા ભાઈ, તને સરકાર સાથે જે વાંધા-તકલીફ હોય તે હાલ પુરતી મુલતવી રાખ. તારાથી એ ખેડૂતને મદદ ના થતી હોય તો ભલે ના કર, પરંતુ તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી કરતી વાતો તો ના કર.
કૃષિ યુનીવર્સીટી અને ખેતીવાડી ખાતામાં વર્ષોથી ફરજ બજાવતા કેટલાક વિદ્વાન મિત્રોને પલળતી મગફળી અંગે પૂછ્યું. તેઓએ જણાવ્યું કે મગફળી એ બીજા પાકની સરખામણીએ થોડો વધુ ખમતીધર પાક ગણાય. ઉપાડેલ મગફળી કદાચ બે દિવસ સુધી પાણીમાં પલળતી રહે તો પણ તેને કોઈ વધુ નુકશાન થતું નથી. તેને પાણીમાંથી હટાવીને અન્ય જગ્યાએ સુકવીએ તો ચોક્કસ ‘રીકવરી’ આવે છે. સાથે જ તેઓએ સલાહ આપી કે કપાસ જેવા પાકમાં જો પાણી ભરાઈ રહ્યું હોય તો ખેતરના નીચાણ વાળા ભાગમાં ખાડો કરી ખેતરમાંથી વધારાનું પાણી નીતારી લેવું. અને કપાસના દરેક છોડને બે પગ વચ્ચે રાખી તેના મૂળ પાસે ચારે તરફ પગની પાની વડે થોડું દબાણ આપવું. જેથી મૂળ પાસે જમા થયેલ પાણી નીતરી જાય અને કપાસ થોડો સ્વસ્થ થઇ શકે. સાથે જ કપાસમાં ‘માથા કાપવા’થી નવી ફૂટ નીકળવાની શક્યતાઓ પણ વધી જાય છે.
નુકશાની સમયે નિષ્ણાંતો પાસેથી આવા ઉપાયોની માહિતી મેળવી ખેડૂતો સુધી પહોંચાડવા માટે કોઈ ખેડૂત સંગઠનોએ પગલાં લીધા હોય એવું ક્યાંય નોંધાયું નથી. કેમકે આવી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં તેને જ રસ હોય કે જે પોતે ખરો ખેડૂત હોય. જેણે પોતે ક્યારેય ખેતરનો શેઢો જોયો નથી અને ફોટો પડાવવા સિવાય ક્યારેય ખેતઓજારોને હાથ પણ અડાડ્યો નથી એવા લોકો જ આવા બેજવાબદાર નિવેદનો કરી શકે. પોતાના અંગત સ્વાર્થ માટે આવા સંગઠનોના પદ પર બેઠેલા વિવિધ નમૂનાઓ પશુઓના શરીર પર ચોંટેલ ઇતરડીથી વિશેષ કઈ નથી.
કૃષિ લેખનની શરૂઆત વખતે જ મેં નક્કી કરેલ કે ફક્ત પોઝીટીવ માહિતીની પ્રચાર કરવો અને શક્ય હોય ત્યાં સુધી નેગેટીવ વાતોથી દૂર રહેવું. પરંતુ જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે ભોળા ખેડૂતોનો ઉપયોગ કરતા કૃષિ માફીયા દેખાય છે ત્યારે રહેવાતું નથી. આજે ખેડૂતોનું ભલું ઈચ્છતા કેટલાક સારા સંગઠનો પણ છે, તેના કાર્યો અને તેની માહિતીનો પ્રચાર કરવામાં મને આનંદ થાય છે. છેલ્લે ખેડૂતોને એક નમ્ર વિનંતી કરવાનું મન થાય કે પોતાનું અંગત હિત સાધતા અમુક બનાવટી સંગઠનોથી અમુક ચોક્કસ અંતર જરૂર બનાવી રાખશો.

Tuesday, 10 September 2019

કૃષિ પત્રકારને રાજ્યપાલ દ્વારા પુરસ્કૃત કરાયા

 ગત તા. 7 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા યોજાયેલ એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરનો કૃષિ વિષયક પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું. કૃષિક્ષેત્રમાં અનેક વર્ષોથી ઉલ્લેખનીય અને મહત્વપૂર્ણ યોગદાન આપનાર વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

     જેમાં છેલ્લા દસ વર્ષથી નિયમિત વિવિધ કૃષિ વિષયો ઉપર લેખ લખતા જાણીતા કૃષિ પત્રકાર નરેન્દ્રભાઈ વાઘેલાને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમ વડે કૃષિ માહિતીના પ્રચાર પ્રસારમાં ઉલ્લેખનીય યોગદાન બદલ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે "કૃષિ સેવા સન્માન" પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

       સમૃદ્ધ ખેતી અને ખેતીની વાત કૃષિ સામયિકોના સ્થાપક તંત્રી, સંજોગ ન્યૂઝ દૈનિકના કટાર લેખક તેમજ  છેલ્લા નવ વર્ષથી રાષ્ટ્રીય ટીવી ચેનલ દૂરદર્શનના કૃષિ વિષયક ગુજરાતી કાર્યક્રમોનું સંચાલન કરનાર નરેન્દ્રભાઈ વાઘેલા સોશ્યિલ મીડિયાના માધ્યમથી પણ હજારો ખેડૂતો સાથે જોડાયેલ છે. ગત સમયમાં તેઓએ રાજ્યભરના  ૨૦૦૦થી વધારે ગામડાઓમાં રૂબરૂ જઈને ખેડૂતો સાથે કૃષિ બેઠકો યોજીને સીધો સંવાદ સ્થાપિત કરેલ છે.

    આ તકે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સહીત આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આર.વ્યાસ, ગોપકાના સેવાનિવૃત અધિકારી રમણભાઈ ઓઝા, રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘના અધ્યક્ષ ગજાનન ગીરોલકર તેમજ મોટી સંખ્યામાં દેશભરમાંથી આવેલા કૃષિ ક્ષેત્રના મહાનુભાવો અને કૃષિ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.

Friday, 30 August 2019

તમને ગમે કે ના ગમે

તમને ગમે કે ના ગમે

આંખના ખૂણે થીજેલ જે લાગણીનું એક બિંદુ,
એ હું જ સંતાયો છું, તમને ગમે કે ના ગમે.
એકાંતમાં બેઠા હો ‘ને અચાનક વર્તાય હાજરી,
એ આભાસી અસ્તિત્વ છું, તમને ગમે કે ના ગમે.
ખુશીની મધુરી પળોમાં જે હાથનો સ્પર્શ ચાહો,
એ હાથની ઉષ્મા છું, તમને ગમે કે ના ગમે.
કોઈની નફરત કે દગાથી નિરાશ ન થશો,
એ હૈયાની હિંમત છું, તમને ગમે કે ના ગમે.
તમે ગમતાં હતા, ગમો છો, ગમતાં જ રહેશો,
નંદા એ પાક્કું કહું છું, તમને ગમે કે ના ગમે.
                      - નરેન્દ્ર વાઘેલા ‘નંદા’

Monday, 12 August 2019

ભૂગર્ભજળના સતત ઘટી રહેલ સ્તરને તાત્કાલિક અટકાવવું સખત જરૂરી


ગયું અઠવાડિયું ગુજરાતના ખેડૂતો અને ગ્રામજનો માટે સારા સમાચાર લઈને આવ્યું. મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના સ્ત્રાવ વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પ્રથમ વખત ‘ઓવરફલો’ થયો. ડેમ પર દરવાજા લગાવ્યા બાદ પ્રથમ વખત છલકતા આ સરદાર સરોવરની તસ્વીર દરેક ગુજરાતીને હરખાવા માટે પુરતી છે. આ ઉપરાંત રાજ્ય સહીત દેશના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયાના સમાચાર છે.
ચોતરફ વહેતી ખુશીના આ સમાચારોની નદીઓની વચ્ચે ગયા અઠવાડિયે જાણવા મળેલ એક અહેવાલ દરેક નાગરિકને વ્યથિત કરી દે તેવો છે. આજે આપણે બે-કાંઠે વહેતી નર્મદા કે રાજ્યની અન્ય નદીઓના સમાચારથી હરખાઈ રહ્યા છીએ ત્યારે જળપુરુષ તરીકે જાણીતા રાજેન્દ્રસિંહની એક વાત યાદ રાખવા જેવી છે. એક મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે આપણા દેશમાં હજુ દોઢ દાયકા પહેલા સુધી પંદર હજારથી વધારે નદીઓ હતી. જેમાંથી આજે અંદાજે પાંચ હજાર જેટલી નદીઓ સુકાઈ ચુકી છે. આ નદીઓ હવે ફક્ત ચોમાસામાં વરસાદના દિવસો દરમ્યાન જ વહે છે.
હાલની કેન્દ્ર સરકાર દ્વારા જલરક્ષાની સાથોસાથ દેશના દરેક નાગરિકને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે ‘હર ઘર જલ, હર ઘર નલ...’ સુત્ર સાથે અલગ જળશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી છે. પરંતુ ‘ખાટલે મોટી ખોડ...’કહેવતની જેમ આજે આપણા દેશનો કુલ ભૂગર્ભજળ ભંડાર હવે ૭૦ ટકાથી વધુ ખાલી થઈ ચુક્યો છે. હરસાલ સતત સુકાતી જતી નદીઓ, કુવાઓ અને તળાવની સાથે જ ભૂજળનું સ્તરની સ્થિતિ પણ અત્યંત આઘાતજનક કક્ષાએ પહોંચી છે.
old well in north India region
આજે દેશના ૧૭ રાજ્યોના કુલ ૩૭૦ કરતા વધારે જીલ્લાઓ પાણીના સંકટની સામે ઝઝૂમી રહ્યા છે. વર્ષ ૨૦૦૮થી ૨૦૧૮ના સમયગાળામાં દેશના વિવિધ વિસ્તારોમાં આવેલ કુવાઓનું જળસ્તર જે રીતે ઘટી રહ્યું છે તે ખરેખર ચિંતાજનક છે. જેમાં પંજાબના ૮૪.૫%, ઉત્તર પ્રદેશના ૮૨.૮%, જમ્મુ-કશ્મીરના ૮૧.૨%, હિમાચલપ્રદેશના ૭૬.૫%, દિલ્હીના ૭૬%, હરિયાણાના ૭૫%, મધ્યપ્રદેશના ૬૦%, તમીલનાડુના ૫૯% અને ગુજરાતના ૪૨% કુવાઓના જળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ દેશભરના વિવિધ વિસ્તારોમાંથી લગભગ ૧૬ થી ૧૯% કુવાઓ તો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે.
હાલ સમગ્ર દેશના અનેક વિસ્તારોમાં છેલ્લા દાયકાની સરખામણીમાં ભૂગર્ભજળનું સ્તર સરેરાશ ૪૫ મીટર કરતા પણ વધુ ઊંડું ઉતારી ગયું છે. જેમાં મધ્યપ્રદેશના ૩૯%, હરિયાણાના ૨૩%, રાજસ્થાનના ૨૦%, ગુજરાતના ૧૩.૫%, દિલ્હીના ૧૧% થી વધારે વિસ્તારોમાં ભૂગર્ભજળનું સ્તર ૧૮ મીટરથી લઈને ૫૧ મીટર જેટલુ નીચે પહોંચી ગયું છે. તેવી જ રીતે રાજસ્થાન અને પંજાબમાં પણ સરેરાશ ૨૦ થી ૪૦ મીટર સુધી જમીનની નીચે પાણીનું લેવલ ઘટયું છે.
ભારતના કુલ ભૂગર્ભજળના ત્રીજા ભાગનો ઉપયોગ ફક્ત ઉત્તરપ્રદેશ અને પંજાબ દ્વારા કરી લેવામાં આવે છે. જેનો મોટોભાગ ખેતીમાં વપરાય છે. ફક્ત જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં જ ખેતીની સરખામણીએ ભૂગર્ભજળનો વધુ ઉપયોગ ઘર-વપરાશમાં થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશની પાણીની કુલ માંગમાં ૧૯ થી ૨૨% નો વધારો થશે. જે અંતર્ગત ઉદ્યોગોમાં ૮૩%, ઊર્જાક્ષેત્રમાં ૭૨%, પીવા માટે ૪૫% અને ખેતીમાં ૧૫% વધારાની માંગનું પૂર્વાનુમાન છે. આ બધા આંકડા સરકારના નવીન જળશક્તિ મંત્રાલયે જાહેર કરેલા છે.
હાલ દેશમાં તમામ ક્ષેત્રોની જરૂરીયાતો માટે વાર્ષિક ૧૧૩૮ બિલિયન ક્યુબીક મીટર પાણી હાજર છે. પરંતુ વર્ષ ૨૦૨૫ સુધીમાં તેની ઉપલબ્ધતામાં ૨૯૩ બિલિયન ક્યુબીક મીટરનો આકરો ઘટાડો આવશે. કેન્દ્રીય નીતિપંચના એક તાજા રીપોર્ટ મુજબ હાલની સ્થિતિ સામે જો કોઈ સુધારાત્મક અને અસરકારક પગલાં લેવામાં નહિ આવે તો વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશની ૫૦% વસ્તીને પીવાનું પાણી સુદ્ધાં મળી શકશે નહીં. જોકે આ સર્વેમાં એક ખુશીના સમાચાર પણ છે કે ઉત્તર-પૂર્વી રાજ્ય ત્રિપુરાનાં ૮૫%, ગોવાના ૭૬%, ઉડીસાના ૬૦.૮% પશ્ચિમ બંગાળના ૪૫.૫% કુવાઓના જળસ્તરમાં વધારો થયો છે.
કોઈપણ સ્થળે બે હજાર ફૂટ સુધી બોર કરવા છતાંય જો પાણી ન આવે તો તે તેવી સ્થિતિમાં જે-તે સ્થળને ભૂગર્ભજળવિહીન ગણવામાં આવે છે. એ નિયમ મુજબ તમિલનાડુનું ચેન્નઈ શહેર હાલ ભૂગર્ભ જળવિહોણું બન્યું છે. અને આ રેડલીસ્ટમાં સામેલ દેશના અન્ય ૯૦ થી પણ વધારે શહેરોમાંથી પણ ટૂંક સમયમાં જ ભૂગર્ભજળ ગાયબ થવાની અણી પર છે. આમ એક રીતે કહી શકાય કે આજે દેશમાં માત્ર ભૂસપાટી પર જ જળસંકટ જ નથી. પરંતુ સતત ઘટતા ભૂગર્ભજળની સમસ્યા પણ આગામી સમયની સૌથી મોટી મુસીબત બની રહેવાની છે. માટે સમય વર્તે સાવધાન...!!!

Monday, 10 June 2019

ખેતીની જમીન છોડવા માટે ખેડૂતોને મજબૂર કરતા મહત્વના પરિબળો


લેખ શ્રેણી ‘ખેતીની જમીન’ (ભાગ-૪) : રાજકીય - સામાજિક સ્તરે ઉપેક્ષિત ખેડૂતોને ખેતીમાંથી રસ ઉડી રહ્યો છે

ખોરડું વેચ્યુંને ખેતર વેચ્યું,
કૂબામાં કર્યો છે વાસ...
જારનો રોટલો જડે નહિ તે’દિ
પીવું છું એકલી છાસ...
નથી હવે જીવવા આરો,
આવ્યો ભીખ માંગવા વારો...
મકનસર (મોરબી)ના કવિ ઇન્દુલાલ ગાંધીની પ્રસિદ્ધ રચના ‘આંધળી માંનો કાગળ’ માંથી લીધેલ આ કાવ્ય પંક્તિઓમાં ખેતીની જમીન છોડી કે વેંચી દીધા બાદ થતી ખેડૂતોની સ્થિતિ તાદ્રશ્ય થાય છે. જોકે ખેતીની જમીન વેંચવા માટે કોઈ જ ખેડૂત રાજીખુશીથી તૈયાર થતો નથી. છતાં પણ ખેતીની જમીન છોડવા કે વેચવા પાછળ અનેકવિધ પરિબળો કારણભુત હોય છે. લેખમાળાના આ ચોથા ભાગમાં આપણે તેના વિષે ચર્ચા કરીએ.
સૌથી પહેલા તો રાજકીય અને સામાજિક સ્તર પર ખેડૂતોની જે રીતે ઉપેક્ષા કરવામાં આવે છે તેને લીધે ખેડૂતોને ધીમેધીમે ખેતીમાંથી રસ ઉડી રહ્યો છે. આપ સૌ જાણો છો તેમ આપણા દેશમાં મોટા ઉદ્યોગો અને વેપારીઓને સરળતાથી લોન, વીજળી, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ આસાનીથી મળી રહે છે. પરંતુ ખેડૂતોએ આ બધા લાભ લેવા માટે અભિમન્યુની જેમ સાત કોઠા વીંધવા પડે છે. ખાસ કરીને રાજકીય પક્ષોની જાતપાત તેમજ વોટબેંકની રાજનીતિના કારણે વેરવિખેર ખેડૂત વર્ગ પીસાઈ રહ્યો છે.
ખેડૂતો માટે ખેતી છોડવાનું બીજું મહત્વનું કારણ છે પાક ઉત્પાદનોના બજાર ભાવ. આવક જાવકનો નિયમિત હિસાબ રાખતા ખેડૂતો જણાવે છે કે આખી સીઝન રાત-દિવસ, ટાઢ-તડકો જોયા વગર મહેનત મજૂરી કરી હોય, અને જયારે ઉપજ આવે ત્યારે તેનું બજાર સાવ તળિયે બેસી જાય છે. અને જ્યારે જે-તે સીઝનનો બધો માલ ખેડૂતના ઘરમાંથી માર્કેટમાં પહોંચી જાય એટલે ભાવને પાંખો આવી ગઈ હોય તેમ બજારના શિખરે પહોંચી જાય છે. અને ફરી જ્યારે સીઝન આવે ત્યારે એજ ઉપજ ત્રણ-ચાર ગણી મોંઘી થઈને બિયારણ સ્વરૂપે ખેડૂતે ખરીદવી પડે છે.
ઘણી વખત ખેડૂતની ઈચ્છા ન હોવા છતાં કોઈની ગેર દોરવણી કે ખોટી લાલચમાં આવી જઈને પોતાની ખેતીની જમીન વેંચવા તૈયાર થઇ જાય છે. ખેડૂતની જમીન પર જેનો ડોળો હોય એવા કેટલાક જમીન દલાલો દ્વારા ખેડૂતનું ‘બ્રેઈન વોશ’ કરવામાં આવે છે. જેમાં આયોજનબદ્ધ રીતે ખેડૂતને એમ પાકું કરાવવામાં આવે છે કે આખું વરસ કાળી મજૂરી કરીને છેવટે તમારા હાથમાં શું આવે છે... તેના કરતા જો આ જમીન વેંચી કાઢો અને તે પૈસાને બેંકમાં મુકી દેશો તો પણ આનાથી વધારે આવક વ્યાજની મળશે... માટે મુકોને બધી માથાકૂટ અને જમીન વેંચી નાખો. વારંવારની આવી સલાહો ખેડૂતને જમીનવિહોણો કરી દે છે.
વળી ક્યારેક એવા સમાચારો પણ ચમકતા રહે છે કે કોઈ ઠગ ટોળકીની ચાલાકી કે છેતરપીંડીને કારણે ખેડૂતે પોતાની જમીનથી હાથ ધોવા પડ્યા હોય. આવા કિસ્સામાં ગઠીયાઓ ખેડૂતના ભોળપણ કે અતિ વિશ્વાસનો લાભ લઈને ખોટા દસ્તાવેજો બનાવી લેતા હોય છે. આવી દગાબાજીમાં મોટેભાગે ખેડૂતના જ કોઈ અંગત લોકો, અથવા પંચાયતના સભ્ય કે તલાટીમાંથી કોઈ સામેલ હોય છે. જોકે હવે ઓનલાઈનનો જમાનો આવતા આવા દુષણો ઘટવાની આશા રાખી શકાય છે.
ખેતીની જમીન વેંચવા માટેનું એક મહત્વનું પરિબળ સામાજીક દેખાદેખી પણ ગણી શકાય. આપણા ગામડાઓમાં મોટાભાગે એકબીજાનું જોઇને વર્તવાનો ધારો જોવા મળે છે. ફલાણાએ ખેતરનો કટકો વેંચીને દીકરા-દીકરી પરણાવ્યા, ઢીંકણાએ ખેતી વેંચીને કારખાનું કે કોઈ ઉદ્યોગ શરૂ કર્યો તો ફાવી ગયા, ચાલો આપણે પણ તેમ કરીએ. આમ ઘણી વખત કોઈની દેખાદેખીએ ખેતી વેંચીને શરૂ કરેલ ધંધો ખોટમાં જતા ખેતી અને ધંધો બંને વસ્તુ હાથમાંથી સરકી જાય છે. ગાડી-મકાનની લાલસા પૂરી કરવા જમીન વેંચ્યાના પણ અનેક ઉદાહરણો સમાજમાં જોવા મળે છે.
પ્રતીકાત્મક તસ્વીર
ખેડૂતો પાસેથી દૂર જતી ખેતીની જમીનો પાછળનું વધુ એક મહત્વનું કારણ જોઈએ તો એ છે નવી પેઢી. ઘણી વખત ખેડૂત પરિવારમાં સંતાનોને નાનપણથી ‘ભણો નહિતર અમારી જેમ ખેતો કરવો પડશે...’ એમ કહીને ખેતી પ્રત્યે એક જાતની સુગ ઉત્પન્ન કરવામાં આવે છે. ટાઢા છાંયડે નોકરી કરવાની ઈચ્છા રાખનાર અનેક યુવાનો ખેતી કરવામાં શરમ સંકોચ અનુભવે છે. જોકે પશ્ચિમી પવનથી પ્રભાવિત અને પાનના ગલ્લે મોબાઈલ મચેડતી નવી પેઢીમાં મોટાભાગના યુવાનો ખેતીકામ કરવા માટે શારીરિક રીતે સક્ષમ નથી હોતા એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી.
જ્યારે આવા યુવાનોના હાથમાં ઘર-ખેતીનો વહેવાર આવે છે ત્યારે સૌથી પહેલા ખેતીની જમીનનો નિકાલ કરે છે. ‘ના રહેગા બાંસ, ના બજે બાંસુરી...’ સ્વયં ભારત સરકારના જ એક વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫માં થયેલ એક સર્વેમાં પણ કબૂલ કરાયું છે કે દેશની કુલ ખેતીલાયક જમીનોમાં દર વર્ષે અંદાજે દોઢ થી બે ટકા જમીન ઘટતી જાય છે. જો આમ જ ચાલ્યું તો ખેતી કરવા માટે વર્ટીકલ ફાર્મ બિલ્ડીંગ્ઝનો જ સહારો લેવો પડશે. ખેતીની જમીન લેખશ્રેણીના છેલ્લા ભાગ તરીકે આગામી લેખમાં એક અત્યંત મહત્વના એક નવા જ મુદ્દે ચર્ચા કરીશું.

Monday, 3 June 2019

વિકાસના નામે ચતુરાઈથી બલી ચડાવાઈ રહેલ ખેતીની ફળદ્રુપ જમીન


લેખ શ્રેણી ‘ખેતીની જમીન’ (ભાગ-૩) : જમીન સંપાદન કાયદાનો દુરુપયોગ થયાના અનેક દાખલાઓ મોજુદ છે.

એક થોડી અસભ્ય પરંતુ જાણીતી કહેવત છે કે ‘ગરીબની બૈરી ગામ આખાની ભાભી...’ એ મુજબ જ્યાં પણ જમીનની જરૂર ઉભી થાય ત્યાં સૌથી પહેલો ભોગ ખેતીલાયક જમીનનો લેવાય છે. મોટામોટા ઉદ્યોગોના વિકાસ માટે હોય, રોડ-રસ્તાના બાંધકામ અને વિસ્તૃતિકરણ માટે હોય, વધતા શહેરીકરણને ઘટતી જમીન પૂરી પાડવા માટે હોય, રેલવેનો વ્યાપ વધારવા માટે હોય કે દેશના વિકાસના પ્રતીક જેવી બુલેટ ટ્રેન માટે હોય, અરે ! ખુદ ખેતીના જ વિકાસ માટે જરૂરી પાણીના સંગ્રહ અને પરિવહન માટે નાના-મોટા ડેમ અને કેનાલ-નહેરોનું નિર્માણ કરવાનું હોય તો સૌથી પહેલા ખેતીલાયક જમીન પર જ નજર માંડવામાં આવે છે.
આપણા બંધારણમાં જાહેર જનતાના હિતાર્થે વિવિધ વિકાસકાર્યો માટે ૧૮૯૪ના કાયદા મુજબ જમીન સંપાદન અધિનિયમ હેઠળ જોગવાઈ છે. જોકે દેશમાં આ વ્યવસ્થાનો દુરુપયોગ થયો હોય તેવા અનેક દાખલાઓ મોજુદ છે. થોડા સમય અગાઉ પ્રકાશિત થયેલ એક સમાચાર અનુસાર વર્ષ ૧૯૯૫માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક મોટી કંપની માટે સંપાદિત કરાયેલ ખેતરાઉ જમીનમાંથી આજે ૨૫ વર્ષે પણ અંદાજે ૪૦૦-૫૦૦ એકર જમીન કોઈપણ પ્રકારના ઉપયોગ વગર ફાજલ પડી રહેવા પામી છે.
જો ચાલુ ખેતી બંધ કરીને તે જમીન પર કોઈ ‘બહુજનહિતાય બહુજનસુખાય’ હોય તેવો પ્રોજેક્ટ કે વિકાસ કાર્ય ખરેખર શરુ થઇ જાય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ જો આવી જમીન ખેડૂતો પાસેથી સંપાદિત કર્યા બાદ કોઈપણ કારણોસર ફાજલ પડી રહે તો તે દેશ માટે એક પ્રકારનો ‘લોસ ઓફ ઇન્કમ’ જ છે. કેમકે જો સંપાદિત ન થઇ હોત તો આ જમીનમાંથી વર્ષે દહાડે જે આવક થતી હતી તે બંધ થઇ ન હોત.
ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉઠે કે દેશમાં અનેક ફાજલ જમીનો પડેલી છે કે જે ખેતીલાયક નથી, તો પછી સરકાર આવી જમીનો સંપાદિત કરીને ઉદ્યોગો કે અન્ય પ્રોજેક્ટ્સ માટે કેમ ફાળવતી નથી. જવાબ છે કે જંગલ અથવા ડુંગરાળ પ્રદેશોમાં જો કોઈ પ્રોજેક્ટ માટે જમીન ફાળવવામાં આવે તો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) અથવા કહેવાતા પર્યાવરણવાદી સ્વૈચ્છિક સંગઠનો (NGO) દ્વારા સૌથી પહેલા વિરોધ ઉઠાવવામાં આવતો હોય છે. આવા કઈ કેટલાય ઝંડાધારીઓના રોટલા આમ વિરોધને કારણે જ ચાલી રહ્યા છે. પરંતુ ખેતીની જમીન સંપાદન થતી હોય ત્યારે તેમાં ખેડૂતોનો પક્ષ લઇ વિરોધ કરનાર બહુ ઓછા સંગઠનો જોવા મળે છે.
આ ઉપરાંત કેટલાક બીજા તર્ક પણ છે, જો જંગલ કે દુર્ગમ પ્રદેશોમાં જો જમીન આપવામાં આવે તો સૌથી પહેલો પ્રશ્ન કનેકટીવીટી એટલે કે રોડ-રસ્તાનો ઉભો થાય છે. આવી જગ્યાએ પહોંચવા માટે નવેસરથી રસ્તાનું  માળખું ઉભું કરવું પડે જે પ્રોજેક્ટ કોસ્ટ (ખર્ચ)ને વધારી દેતી હોય છે. ડુંગરાળ વિસ્તારોમાં જમીન સમતળ કરવાનું કામ પણ અતિ ખર્ચાળ અને સમય માંગી લેતું હોય છે. જયારે જે જમીનમાં ખેતી ચાલુ હોય ત્યાં આ બંને પ્રશ્નો અગાઉથી જ ઉકેલાય ગયેલા હોય છે. આ સિવાય પાણી અને વીજળીની ઉપલબ્ધતા પણ અહી જ મળે છે.
કોઈપણ નવા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરતી વખતે સૌથી મોટો પ્રશ્ન જે-તે જમીન પર વસતા લોકોના પુનર્વસનનો હોય છે. જ્યારે ખેતીની જમીન સંપાદન કરવામાં પુનર્વસનનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કારણ કે જમીન વેચતા ખેડૂતે જાતે પોતાના ભવિષ્યની વ્યવસ્થા કરી લેવાની હોય છે. કોઈપણ નવા શરૂ થતા પ્રોજેક્ટ માટે જરૂરી કામદારો કે મજૂરો દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ નથી હોતા. જયારે ખેતીની જમીન સંપાદિત થતા નવરા પડેલા ખેડૂતો અને ખેતમજૂરોના રૂપમાં આવા પ્રોજેક્ટ માટે તૈયાર કામદારો મળી રહે છે જે સસ્તા પણ પડે છે. હવે પછીના લેખમાં ખેતીની જમીન છોડવા મજબૂર કરતા પરિબળો અંગે ચર્ચા કરીશું.

Monday, 20 May 2019

દેશમાં ખેતીયોગ્ય જમીન ઘટવા પાછળ કારણભૂત કુદરતી પરિબળો


‘ખેતીની જમીન’ લેખશ્રેણીના પ્રથમ લેખમાં આપણે વિશ્વની કુલ જમીન અને તેમાંથી દર વર્ષે ઘટતી જતી ખેતીલાયક જમીનો અંગે આપણે જોઈ ગયા. આ મુદ્દે આપણા દેશની વાત કરીએ તો અહી પણ પરિસ્થિતિ કઈ વધારે સારી હોય તેમ લાગતું નથી. એક નેશનલ ન્યુઝ એજન્સીએ કરેલ સર્વે અનુસાર દેશમાં દરરોજ અઢી હજાર ખેડૂતો વિવિધ કારણોસર ખેતી છોડીને રહ્યા છે. જેમાં મુખ્ય કારણોમાં ખેતીલાયક ન રહેતી અથવા તો તેમની વેંચાઈ જતી કે વેચવી પડતી જમીન છે. આજે ગરીબ ખેડૂતો વધારે કંગાળ અને ભૂમિહીન બની રહ્યા છે.
પ્રાચીન કાળથી આપણે ત્યાં પૃથ્વીને દૈવીતત્વ ગણીને માતા કહેવામાં આવે છે, તેમજ ખેડૂતને જગતનો અન્નદાતા કહેવામાં આવે છે. સમાજશાસ્ત્રની પરિભાષામાં જણાવ્યા મુજબ એક-એક વ્યક્તિના જોડાવાથી બનતા સમુહને સમાજ કહેવામાં આવે છે ત્યારે સમાજના એક જાગૃત હિસ્સા તરીકે આપણે સૌએ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે એવા ક્યાં કારણો છે કે જેને લીધે દુનિયાનો પાલક ગણાતો ખેડૂત પોતાની આરાધ્ય દેવી સમાન ધરતી માતાને છોડી દેવા કે વેંચી દેવા તૈયાર થઇ જાય છે ?
વિશ્વમાં નિયમિત વરસાદની સાંકળ તુટવા લાગી છે. સમયસર વરસાદ ઘટતા નદીઓના બારમાસી વહેણ ધીમા થયા છે અથવા તો એમ કહો કે લગભગ બંધ થયા છે. તેમાંય નદીઓના આ અપૂરતા વહેણો પર ડેમ-પાળા બાંધવામાં આવે છે. આ બાંધેલું પાણી કેનાલો મારફત અન્ય વિસ્તારો સુધી પહોંચાડવામાં આવતા નદીઓના પટ વરસ દરમિયાન મોટેભાગે સુકા ભટ્ઠ જોવા મળે છે. આજે નર્મદા બંધ સરદાર સરોવરના હેઠવાસના ગામોમાં નદીનો પ્રવાહ અટકતા ખેતીલાયક જમીન પર અસર જોવા મળી રહી છે.
આપણા દેશમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા તેમજ પંજાબની પાંચેય નદીઓ સહિતની અનેક નાની-મોટી નદીઓ હિમાલયનો બરફ પીગળવાથી વહે છે. છેલ્લા અનેક વર્ષોથી સતત વધી રહેલ ગરમીને કારણે તે બરફ ઝડપથી પીગળી રહ્યો છે. પર્વતોમાંથી ધસમસતા વેગે મેદાન વિસ્તારોમાં આવતી આ નદીઓ પોતાના પાણીની સાથે કેટલોય કાંપ તાણી લાવે છે. જેને કારણે વરસોવરસ નદીઓની ઊંડાઈ છીછરી અને કદ (વહેણ) સતત પહોળું થયા કરે છે. જેને કારણે ઉપરોક્ત નદીઓના કાંઠાળ વિસ્તારોમાં પૂરની સમસ્યા વધી રહી છે. આ પૂર તટીય પ્રદેશોના ખેતરોને ધોઈ નાખે છે. પરંતુ આવા અનેક કારણોસર નદીઓ સમુદ્ર સુધી પહોંચતી અટકી ગઈ.
હવે સામે તરફ નદીનો પ્રવાહ ઘટતા સમુદ્દ્રના ખારા પાણી નદીના મુખ પ્રદેશોમાં ઘુસવા લાગ્યા. આમ ખૂબ અંદર સુધી ઘુસેલા દરિયાના ખારા પાણીએ કિનારા વિસ્તારની જમીનનો કેટલાય કિલોમીટરનો પટ્ટો ‘બંજર’ બનાવી દીધો. કુદરતે ગુજરાતને દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો આપ્યો છે. સમુદ્ર પરથી આવતા ખારા પવનોએ ઉપરથી અને તળમાં ઘુસેલા ખારા પાણીએ નીચેથી એમ બંને તરફથી જમીનો ખલાસ કરી નાખી છે. રાજ્યની દરિયાપટ્ટી પર આવેલ ખેતરોમાં હવે ફક્ત ક્ષાર જ ઉગે છે તેમ કહીએ તો ખોટું નથી. બીજી તરફ વૃક્ષોની કમી અને આડેધડ કાપણીથી ગુજરાત-રાજસ્થાનનું રણ પોતાનો વિસ્તાર વધારતું જઈ રહ્યું છે.
ખેતીલાયક જમીનો ઘટવાના બીજા પણ કુદરતી કારણો પણ છે. જેમકે ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણી જગ્યાએ આખી સીઝનનો એકસાથે પડી જતા વરસાદમાં ખેતરોનું ઉપલું ખેતીલાયક માટીનું પડ ધોવાય જાય છે. હજુ બે વર્ષ પહેલા અમરેલી-બગસરા વિસ્તારમાં પડેલ અતિવૃષ્ટિએ કેટલાય ખેતરોને માટીવિહોણા કરી દીધા છે. ખેતીલાયક જમીનોને વાંઝણી બનાવતા અનેક કુદરતી કારણો ખેડૂતોને જમીન છોડવા પર મજબૂર કરે છે. ખેતીની ઘટતી જમીન મુદ્દે માણસે ઉભા કરેલ કારણો વિષે આગામી લેખમાં ચર્ચા કરીશું.

Wednesday, 8 May 2019

સ્મરણનો સંગ્રામ



રામચરિત માનસ મંદિર, રતનપર. રાજકોટથી મોરબી તરફ ફક્ત ચૌદ કિલોમીટર દૂર હોવા છતાં તેની બીજી વખત મુલાકાત લેવામાં મને છવ્વીસ વર્ષ જેટલો સમય વીતી ગયો. આટલાં વર્ષ સુધી આ જગ્યાએ જવાની હિંમત ન ચાલી તેની પાછળ કેટલીક મધૂરી તો કેટલીક કરૂણ સ્મરણો જોડાયેલા છે. (આ સાથે ૧૯૯૩ની રતનપર મુલાકાત બાદ રાજકોટ બસ સ્ટેશને પરત આવીને પડાવેલ ગૃપ ફોટો તેમજ હમણા લીધેલ મુલાકાતનો ફોટોગ્રાફ મુક્યો છે.) 
વાત છે વર્ષ ૧૯૯૩ની. તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન આ સ્થળે એક સાત દિવસીય "યુવા નેતૃત્વ તાલીમ શિબિર" નામનો સરકારી કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રના કેટલાક વિદ્યાર્થી ભાઈ-બહેનો આવ્યા હતા. પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલમાં અગિયારમું ધોરણ ભણતા દીપક, જયેશ, સંજય, હિતેશ અને હું, એમ કુલ પાંચ મિત્રો અમારા હિન્દી શિક્ષક રાજાણી સરના કહેવાથી આ શિબિરમાં જોડાયા.
તે વખતે અહીંયા વિશ્વના સૌપ્રથમ રામચરિતમાનસ મંદિરનું ચણતર કામ થઇ રહ્યું હતું. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર તરીકે મોટો સત્સંગ હોલ અને ફરતી બાજુના ઓરડાઓ તૈયાર થઇ ચુક્યા હતા. જેમાંથી ત્રણેક રૂમમાં અમને સહુને ઉતારા અપાયા હતા. વચ્ચેનો સત્સંગ હોલ અમારો મીટીંગ રૂમ બન્યો. રમતો રમવા માટેના ખુલ્લા મેદાનને તો જાણે કોઈ સીમા જ નહોતી. અને જમવા માટે તો રામ-દરબારમાં રસોડું ચાલુ જ હતું.
આવી કોઈ શિબિરમાં જવાનો મારો આ પ્રથમ અનુભવ. દરરોજ બે સત્રમાં અલગ-અલગ વિષય પર ચર્ચા-વિચારણા થાય. જેમાં ડો.ભદ્રાયુ વચ્છરાજાની, ડો.નલીની ઉપાધ્યાય સહિતના મહાનુભાવોના વ્યાખ્યાન પણ ગોઠવાયા હતા. એક દિવસ આજી-૨ ડેમની પદયાત્રા કરેલી, તો એક દિવસ રતનપર ખાતે કોઈ જિજ્ઞાસુએ એકત્ર કરેલ જુના-નવા સિક્કાઓનું કલેક્શન જોવા ગયેલા. જોકે રોજની સાંજ ‘કેમ્પ ફાયર’ સાથે ગીત-ગઝલ, અંતાક્ષરી, સાહિત્ય ચર્ચા, કે એકપાત્રી અભિનયના નામે રહેતી. મારી કલમના બીજને સિંચવાનું કામ કદાચ અહી જ થયું હતું એમ કહું તો ખોટું નથી.
અહી મળેલ નવા મિત્રો નીરવ, હિરેન, જીતાબેન, પંકજ, દર્શના, વત્સલ, મનીષા, નિર્મલા વગેરે સાથે અનેક નવા વિષયો પર ચર્ચા-સંવાદ, વિવિધ રમતો અને હસીખુશીમાં છ દિવસો ક્યારે પસાર થઈ ગયા તે ખ્યાલ પણ ન રહ્યો. નીરવની રમૂજ, પંકજનો કેમેરો, દીપકની દોસ્તી, જયેશનું જનરલ નોલેજ, સંજયની વાતો, હિતેશનું હાસ્ય, જીતાબેનના ગીત, મનીષાના ચટણી અને મમરા, વહેલી સવારે હિંચકા ખાતા એક (નામ નહિ લખું) મિત્ર સાથે બનેલ ઘટના, સુરભી મેડમનું વાત્સલ્ય અને સવાણી સાહેબની શિસ્તબદ્ધતા વગેરે સહિત અનેક મધુર સ્મરણો આજે આટલા વર્ષે પણ એટલા જ તરોતાજા છે.
પરંતુ ૩૧મી ડીસેમ્બર-૧૯૯૩નો સૂરજ કંઈક અલગ જ નિશ્ચય કરીને આવ્યો હશે. શિબિરનો સાતમો એટલે કે છેલ્લો દિવસ હોવાથી ઘેર જવાનો આનંદ તો હતો, સાથે જ નવા મિત્રોનો સહવાસ છૂટવાનું દુઃખ પણ હતું. સાથે જ આ દિવસે મંદિરમાં બીજા માળની છત (સ્લેબ) ભરવાનું કામ શરુ થયું હોવાથી અમારો વિદાય સમારંભ મંદિરથી અંદાજે પચાસેક મીટર સામેની બાજુ આવેલ બગીચામાં ગોઠવ્યો હતો.
સવારના સાડાનવ સુધીમાં સૌ બગીચામાં આવી ગયા. ફક્ત વિદાય ભાષણ કરનારા મહેમાનોની રાહ જોવાઈ રહી હતી. એક તરફ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આપવામાં આવનાર પ્રમાણપત્રોમાં મરોડદાર અક્ષરના માલિક એવા એક-બે તાલીમાર્થી અમારા નામ લખી રહ્યા હતા તો બીજી બાજુ કેટલાક મિત્રો ડાયસની વ્યવસ્થા ગોઠવી રહ્યા હતા. તો પેલી તરફ મજુરોએ કોન્ક્રીટથી મંદિરની અતિ વિશાળ છત ભરવાનું ચાલુ કર્યું હતું.
આ સમયે મારા ભાગે અમારા ઉતારામાંથી બાકી રહી ગયેલ સામાન ભેગો કરીને બગીચામાં લઇ આવવાનું કામ આવ્યું હતું. એક ફેરામાં આવ્યો એટલો સામાન ઉઠાવી બગીચામાં મુક્યો. પંકજનો કેમેરો રૂમમાં ચાર્જ થતો હોવાથી તેને છેલ્લા ફેરામાં લેવાનું નક્કી કર્યું. અને ત્યાર પછી જે થયું તે અકલ્પનીય અને આજ સુધી હૃદયને કંપાવતું રહ્યું છે.
મને પાક્કું યાદ છે કે બરાબર દસ વાગીને દસ મીનીટે જ્યારે છેલ્લા ફેરામાં હું કેમેરો લઇને મંદિર પરિસરથી માત્ર દસેક ડગલાં બહાર નીકળ્યો ત્યાં જ મોટો ધડાકો સંભળાયો. અને એ સાથે જ ચારે તરફ ધૂળની ડમરી છવાઈ ગઈ. કોઈ કારણોસર બીજા માળની ભરાઈ રહેલ નવી છત અચાનક જ પહેલા માળની છત પર પડી. બંને મજલા એક સાથે જમીનદોસ્ત થઇ ગયા. થોડી ક્ષણો તો સાવ શૂન્યમનસ્ક થઇ જવાયું.
હજુ તો જાતને સંભાળું ત્યાં જ ચિચિયારી અને આક્રંદથી કાનના પડદા ફાટવા લાગ્યા. ધૂળની ડમરી દૂર થતા નજર સામે મંદિરના કાટમાળમાં ફસાયેલ-દટાયેલ મજુરોના ક્ષતવિક્ષત દેહ ભળાયા. ધડાકો, દટાયેલાઓનો કણસાટ અને ઘવાયેલાઓની ચીસાચીસ સાંભળીને થોડી જ વારમાં શિબિરાર્થીઓ સહીત આસપાસના લોકો દોડી આવ્યા. પરંતુ આ ભયંકર બનાવને સાવ આટલા નજીકથી જોનાર કદાચ એકમાત્ર કમભાગી સાક્ષી હું જ હતો.
આ અકસ્માતે નવ મજૂરો તો તત્કાળ ભોગ લઇ લીધો હતો. દટાયેલા મજૂરોને બચાવવા માટે સ્થળ પર હાજર હતા તે લોકોએ પોતપોતાની સમજ મુજબ રાહતકાર્ય શરૂ કરી દીધું. ઘાયલ મજૂરોના લોહી-માંસ નીંગળતા શરીર ઊંચકીને જયારે કાટમાળમાંથી બહાર લાવતા હતા તે વખતે સાંભળેલ પીડાયુક્ત ચીસો અને એ કરપીણ દ્રશ્યની ક્રૂરતા મહિનાઓ સુધી રાત્રે ઊંઘમાંથી ઝબકાવી દેતી રહી.
પંદર વર્ષની ભાવપ્રધાન ઉંમરે પહેલીવાર આવી ભયંકર ત્રાસદીનો સામનો કરવો પડેલ. સદભાગ્યે મને શારીરિક ઈજા તો નહોતી થઇ, પરંતુ તે ગોઝારી દુર્ઘટનાનો ડર આજે પણ મનના એક ખૂણામાં ડરાવતો પેઠેલો છે. કદાચ આ કારણે જ આટલા વર્ષો સુધી આ સુંદર સ્થળથી દૂર રહ્યો હોઈશ. આજે છવ્વીસ વર્ષ બાદ જ્યારે માનસ મંદિરના પટાંગણમાં ફરીથી આવ્યો છું ત્યારે અહી ગાળેલ મધુર પળોના સંસ્મરણોની સાથે પેલી દુ:ખદ યાદો હૃદયને ભીંજવી રહી છે. 
- નરેન્દ્ર વાઘેલા

Monday, 6 May 2019

હજુ સમય છે જાગો: અત્યારથી વરસાદી જળના સંગ્રહનું આયોજન કરીએ


છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યના સમાચાર માધ્યમોમાં પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરતી મહિલાઓ અને બાળકોના ફોટોગ્રાફ્સ છપાય છે. ક્યાંક કુવાની ભેખડોમાં ઉતરીને જીવના જોખમે પાણી ભરતી બહેનોની હાલત, તો ક્યાંક નદીના પટમાં ઊંડા વીરડા ગાળીને અશુદ્ધ પાણી પીવા માટે મજબૂર થતા લોકોની કફોળી સ્થિતિ જોવા મળે છે.
આપણે બધા જાણીએ જ છીએ કે પંચમહાભૂત માંહેના બીજા તત્વ એવા પાણીને ક્યાંય ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. પાણી મેળવવા માટે તમામ સજીવો નદી-તળાવ, ભૂગર્ભજળ અને વરસાદ ઉપર જ આશ્રિત છે. આ ત્રણ પરિબળો સિવાય પાણી મેળવવાનો ચોથો કોઈ સ્ત્રોત દેખાતો નથી. હાં, ઉપરોક્ત ત્રણેય જલાપૂર્તી સ્થળો ખાલી થઇ જાય તો આ જ પાણી માનવી અને મૂંગા પશુઓની આંખોમાં જરૂર દેખાય છે.
માનવીય ભૂલોના કારણે જાગેલા ‘ગ્લોબલ વોર્મિંગ’ નામના રાક્ષસે વરસાદને અનિયમિત કરી દીધો છે. નદી-તળાવના પાણીને કાંતો આપણે જાતે જ બગાડી મુક્યા છે અથવા તો માટી કે અન્ય કચરા વડે તેને પૂરી દીધા છે. અને રહી વાત ભૂગર્ભજળની... એને તો આપણે ક્યારનુંય ચૂસી-ચૂસીને ઊંડા પાતાળમાં મોકલી દીધું છે.
મને યાદ છે આજથી પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલા પીવા માટે જરૂરીયાત કરતા વધારે ભરેલો પાણીનો પ્યાલો પણ વડીલો દ્વારા ઠપકો અપાવી જતો. કારણકે દસ-બાર કિલોમીટર દૂર આવેલ ‘ડંકી’ પરથી રેશનીંગ પદ્ધતિએ આણેલ પાણીનું એક ટીંપુ પણ બગડે તે પોસાય તેમ નહોતું.
તમને પણ યાદ જ હશે કે આજથી બાર-પંદર વરસ પહેલા રાજ્યમાં ગામેગામ ચેકડેમો છલકાતા હતા. પરંતુ ‘આરંભે શૂરા’ તરીકે ઓળખાતા આપણે ગુજરાતીઓએ ચેકડેમનું તો નામ પણ કદાચ વિસારી દીધું છે. પછી તેની સારસંભાળ કે નવા આયોજનની તો વાત જ ક્યાં કરવી. પરંતુ હજુ પણ સમય છે, જાગ્યા ત્યારથી સવાર એમ ગણીને જો ફરીથી ચેકડેમ તરફ નિહાળવામાં આવે તો ચોક્કસ સારા પરિણામો મળશે.
વરસાદી પાણી રોકવા માટે સહિયારા પ્રયત્નો થવા ખૂબ જરૂરી છે. હયાત ચેકડેમ, તળાવ કે ખેત-તલાવડીઓને ઊંડા કરી, તેની મરામત કરી અથવા તો નવા બનાવીને ચોમાસા પહેલા વરસાદના પ્રસાદ એવા જળને સંઘરવાનો ઉપાય કરી લઈએ. કમસે કમ આપણા કુવા કે બોર રીચાર્જ કરવાની વ્યવસ્થા તો ચોક્કસ કરીએ. નહી તો આગામી સમયમાં બધાંએ રાતેપાણીએ રોવાનો વારો આવશે. અને આ કોઈ કવિની કલ્પના નહી પણ હકીકત છે.

Sunday, 14 April 2019

શ્રીરામ નવમી અને શ્રીસહજાનંદ જયંતિ

ચૈત્ર માસની અજવાળી નવમી એટલે ભગવાન વિષ્ણુએ મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે પૃથ્વી પર કરેલ અવતરણનો દિવસ. સાથે આ જ દિવસે પ્રાગટ્યોત્સવ છે ભગવાન શ્રી સ્વામીનારાયણનો. આ અતુલ્ય અવસરે ભગવાન શ્રીરામના આગમન સમયે માતા કૌશલ્યાના મનોભાવને તુલસીદાસના શબ્દોમાં અને સ્વામી પ્રેમાનંદના શબ્દોમાં સ્વામી સહજાનંદના આગમનના વધામણાં કરીએ.
---

ભયે પ્રગટ કૃપાલા

ભયે પ્રગટ કૃપાલા, દીનદયાલા, કૌશલ્યા હિતકારી,
હરષિત મહતારી, મુનિ મનહારી, અદ્ભુતરૂપ વિચારી.             ભયે પ્રગટ
લોચન અભિરામા, તન ઘનશ્યામા, નિજ આયુધ ભુજચારી
ભૂષણ વનમાલા, નયન વિશાલા, શોભા સિંધુ ખરારી.            ભયે પ્રગટ
કહે દુઇ કર જોરી, અસ્તુતિ તોરી, કેહિ વિધિ કરૌં અનંતા,
માયા ગુન જ્ઞાના, અતીત અમાના, વેદપુરાન ભનંતા.            ભયે પ્રગટ
કરુના સુખસાગર, સબ ગુન આગર, જે ગાવહિં શ્રુતિ સંતા,
સો મમહિત લાગી, જન અનુરાગી, ભયૌ પ્રકટ શ્રીકંતા.           ભયે પ્રગટ
બ્રહ્માંડ નિકાયા, નિર્મિત માયા, રોમ-રોમ પ્રતિ વેદ કહૈ,
મમ ઉર સો વાસી, યહ ઉપહાસી, સુનત ધીરમતિ થિર નરહૈ.     ભયે પ્રગટ
ઉપજા જબ જ્ઞાના, પ્રભુ મુશુકાના, ચરિત બહુત બિધિ કીન્હ ચહૈ,
કહિ કથા સુહાઈ, માતુ બુઝાઈ, જેહિ પ્રકાર સુત પ્રેમ લહૈ.         ભયે પ્રગટ
માતા પુનિ બોલી, સો મતિ ડોલી, તજહું તાત યહ રૂપા,
કીજે શિશુલીલા, અતિ પ્રિયશીલા, યે સુખ પરમ અનૂપા.          ભયે પ્રગટ
સુનિ બચન સુજાના, રોદન ઠાના, હોઇ બાલક સુરભૂપા
યહ ચરિત જે ગાવહિં, હરિપદ પાવહિ, તે ન પરહિં ભવકૂપા.     ભયે પ્રગટ
બિપ્ર ધેનુ સુર સંત હિત, લીન્હ મનુજ અવતાર,
નિજ ઇચ્છા નિર્મિત તનુ, માયા ગુન ગો પાર.                    ભયે પ્રગટ
----

નટવર ઘનશ્યામ

આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;
બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ.            આજ મારે...
નિરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ;
શોભા શી કહું રે, નિરખી લાજે કોટિક કામ.               આજ મારે...
ગુંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;
લઈને વારણાં રે, ચરણે લાગી વારમવાર.               આજ મારે...
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળીયો કરી પ્યાર;
પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર.                 આજ મારે...
કહોને કરિ ક્યાં હતા રે, કયાં થકી આવ્યા ધર્મ કુમાર;
સુંદર શોભતા રે, અંગે સજીયા છે શણગાર.               આજ મારે...
પહેરી પ્રીતશું રે, સરંગી સુંથણલી સુખદેણ
નાડી હીરની રેજોતા તૃપ્ત ન થાયે નેણ.                આજ મારે...
ઉપર ઓઢિયો રે, ગુઢો રેંટો જોયા લાગ
સજની તે સમે રેધન્ય ધન્ય નીરખ્યા તેના ભાગ્ય.      આજ મારે...
મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય;
કોટિક રવિ શશી રે, તે તો નાવે તેને તુલ્ય.              આજ મારે...
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ
પ્રેમાનંદ તો રેએ છબી નિરખી થયો નિહાલ.           આજ મારે...
------------------