Friday, 7 July 2017

સંકલ્પ શક્તિ


આખી દુનિયા જેના ગુણ ગાય છે તે આપણા ભારતીય વેદમાં એક સૂત્ર છે : ભાવો હી વિદ્યતે દેવા: અર્થાત ‘ભાવથી જ દેવ બને છે...’ આપણે જે વિચારીએ છીએ તે ચોક્કસપણે કરી શકીએ છીએ. શુદ્ધ મનથી કરેલ સંકલ્પ (ભલે થોડો વહેલો મોડો પણ) હંમેશા ફળીભૂત થાય જ છે. વર્ષો પહેલા આપણા તત્કાલીન વડાપ્રધાન ‘ભારતરત્ન’ અટલ બિહારી વાજપેઈએ એક સ્વપ્ન જોયેલું કે, ‘જો દેશની નદીઓને પરસ્પર સાંકળી લીધી હોય તો જે વિસ્તારોમાં વારંવાર દુષ્કાળની સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યાં પાણીની સગવડ મળી રહે અને જે વિસ્તારોમાં નદીના આ વધારાના જળપ્રવાહને લીધે વારંવાર પુર કે હોનારતનો સામનો કરવો પડે છે તે વિસ્તારોનું સંકટ હળવું બને.’
આજે દેશના બીજા ભાગોમાં સ્થિતિ જે હોય તે પરંતુ ગુજરાતની ભૂમિ ઉપર વાજપેયીજીનો આ અટલ સંકલ્પ આકાર લઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ સૌની યોજના મારફત રાજ્યની નદીઓને પરસ્પર (ભલે કેનાલ કે પાઈપ લાઈન વડે) જોડાવાનું કાર્ય શરૂ થઇ ચુક્યું છે. દક્ષિણ ગુજરાતની મોટી નદીઓના સમુદ્દ્રમાં નિરર્થક ભળી જતા પાણી હવે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોની નદીઓને સજીવન કરી રહ્યા છે. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણી પેઢીને મળ્યું છે તે ખરેખર ગૌરવની વાત છે. એક સમયે જ્યાં રેલ્વે મારફત પીવાના પાણી પુરા પાડવાની મથામણ કરવી પડતી હતી, તેવા સદાયના તરસ્યા મારા રાજકોટના મહત્વના જળસ્ત્રોત આજીડેમમાં આજે નર્મદાના નીર હિલોળા લઇ રહ્યાં છે. આ દ્રશ્ય જોઇને થતી લાગણી શબ્દાતીત છે.
રામચરિતમાનસમાં મહાત્મા તુલસીદાસજીએ ભગવાન શ્રીરામનું વર્ણન કરતા લખ્યું છે કે, ‘ગીરા અનયન, નયન બીનું બાનિ...’ એટલે કે જે આંખો શ્રીરામને જુએ છે તે બોલી શક્તિ નથી અને જે જીભ વર્ણન કરી શકે છે તે પ્રભુના દર્શન કરી શકતી નથી. મિત્રો, લાખો એકર ભૂમિ અને કરોડો લોકોની પ્યાસ બુજાવનાર નર્મદાના નીર પણ ઈશ્વરરૂપ જ છે અને તે જ્યારે રાજકોટની ભૂમિ પર અવતરિત થયા છે ત્યારે મારી મન:સ્થિતિ પણ કંઈક આવી જ છે. રાજકીય વિરોધ-આરોપબાજી કે રાજકારણને બાજુએ રાખીને સમગ્ર રાજકોટ રેવાના પવિત્ર નીરને વધાવી રહ્યું છે ત્યારે આશા રાખીએ કે દેશના દરેક ભાગમાં વસતા લોકોને અટલ સંકલ્પ શક્તિનો સાક્ષાત્કાર થાય અને આપણું વ્હાલું રાષ્ટ્ર સૌના હરિયાળા વિકાસ માટે સમૃદ્ધ ખેતી તરફ ગતિ કરે...
ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા જ્ઞાનપર્વ - વ્યાસ પૂનમ કે ગુરૂપૂર્ણિમા (૯ જુલાઈ) તેમજ રાષ્ટ્રના રક્ષક સૈનિકોનું શક્તિપર્વ  - કારગીલ વિજય દિવસ (૨૬ જુલાઈ) શુભકામનાઓ સાથે...

No comments:

Post a Comment