જૂની અલમારીના અંધારા ખાનામાં,
મારવાના વાંકે એ જીવતાં…
ખૂણા ખરેલાં, ‘ને વચ્ચે વળેલાં,
આ ફાટેલા પુસ્તકના પાનાં.... જૂની અલમારીના.
શોધતાં અધરિલ આંગળીના સ્પર્શને,
વળી ખોળો વાચકનો એ ઝંખે,
આજે કે કાલે, કોઈ હૈયાથી ચાંપે,
એ આશામાં વખત ગુજારતાં... જૂની અલમારીના.
ક્યારે છપાશેની પૃચ્છા કરનારાં,
નથી ખોલતા વરસની માંય.
તેવીસ એપ્રિલે જુના ફોટા મુકીને
ઈ તો વાચક મોટા કહેવાતાં... જૂની અલમારીના.
ભેટમાં મળેલ ભલે ભંગારમાં જાય,
તોય એમને, ન કેમ કાંઈ થાય ?
જૂની યાદોને બુકમાર્કમાં બાંધીને,
લેખકની લાગણીને ઝૂરતાં... જૂની અલમારીના.
ઊધઇ-કીડાઓના ચટકા જીરવતાં ‘ને
ડામર ગોળીની આ વાસ.
ભલે શીંગ-ચણા કે ચવાણું ભરજો, ‘ને
એથી ભલું જો ‘નંદ’ તાપતાં... જૂની અલમારીના.
- નરેન્દ્ર વાઘેલા ‘નંદ’
(૨૩-૦૪-૨૦૨૫)
No comments:
Post a Comment